અમદાવાદ: ગુજરાતી લોકસાહિત્યમાં સાવજને ડાંગ ઉગામીને પડકારતી ચારણ કન્યાની શૌર્યગાથા અમર છે, અને હવે આ જ શૌર્ય અને આસ્થાનો સંગમ આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’માં જોવા મળશે. ‘કસૂંબો’ અને ‘૨૧મું ટિફિન’ના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત આ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ થયું છે, જે 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મનું ટ્રેલર ગીરના એવા રહસ્યમય અને આધ્યાત્મિક જંગલની ઝલક બતાવે છે જ્યાં માંસાહારી વન્યજીવો અને શાકાહારી માણસો અદભૂત સંવાદિતા સાથે સહજીવન જીવે છે. ટ્રેલરમાં ‘લાલો’ ફેમ અભિનેત્રી રીવા રાચ્છ મુખ્ય શીર્ષક પાત્ર ‘અંબા’ના પાવન અને સશક્ત રોલમાં જોવા મળે છે. બાળપણથી જ સિંહના બચ્ચાને ‘વનરાજ’ કહીને ઉછેરતી અંબા જ્યારે હાથમાં ડાંગ લઈને જંગલમાં કૂદે છે, ત્યારે વન વિભાગના અધિકારી (દર્શન પંડ્યા) આશ્ચર્ય અને ગર્વ સાથે કહે છે કે, “મેઘાણીની ચારણ કન્યા આજે મેં નજરે જોઈ!”, તો વિદેશી પ્રવાસીને આ રહસ્યમય કન્યા વિશે ‘માંગળાની ભૂતાવળ’ તરીકે ઓળખ આપવામાં આવે છે.
પરંતુ જંગલની આ શાંતિ ડહોળવા જ્યારે શિકારીઓની ગેંગ સક્રિય થાય છે અને અહંકારમાં રાચતો શિકારી (જગજીતસિંહ વાઢેર) “વનરાજ ગીરનો કુતરો કહેવાય, જંગલનો રાજા માત્ર એક જ છે, લાલજી” જેવો પડકાર ફેંકે છે, ત્યારે સાવજને બચાવવા વન વિભાગના અધિકારી શિકારીઓ સામે બાથ ભીડે છે. બીજી તરફ વડીલ માતાજીને પ્રાર્થના કરે છે કે “કૃપા કરો માં, આ ગીરમાં તમે જોગણી થઈને પૂજાશો.” ત્યારબાદ “એ દીકરી માથે જગદંબાનો પાલો છે. અને ઈ સાવજ, સાક્ષાત નરસિંહનો અવતાર, એ લીલા મારી માવડીની છે અને પરચો ગેબીનાથનો. અલખ નિરંજન” ના ગુંજતા વોઈસઓવર સાથે પાણીમાંથી નીકળતી જગદંબા સ્વરૂપ ‘અંબા’ અને વનરાજની એન્ટ્રી રૂંવાટા ઊભા કરી દે છે.
આ ફિલ્મમાં રીવા રાચ્છની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ ટ્રેલરમાં ખાસ ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, અમેરિકન અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, આકાશ ઝાલા, સ્વાતિ દવે, ફિરોઝ ઈરાની અને રિદ્ધિ ડાંગર જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.
નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) દ્વારા પ્રસ્તુત અને વિજયગિરી ફિલ્મોસ પ્રોડક્શન્સ (Vijaygiri FilmOs Productions) ના બેનર હેઠળ, શ્રી પરિમલ નાથવાણીના આશીર્વાદ સાથે ભૂમિ નાથવાણી દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ટ્વિંકલ વિજયગિરી સહ-નિર્માતા છે, જ્યારે રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા ફિલ્મનું વિતરણ થશે. વિજયગીરી બાવાની વાર્તા અને પટકથા સાથે રામ મોરીના ચોટદાર સંવાદો, ગાર્ગેય ત્રિવેદીની સિનેમેટોગ્રાફી, કેદાર-ભાર્ગવનું કર્ણપ્રિય સંગીત અને આંતરરાષ્ટ્રીય સ્તરના VFX ફિલ્મને ભવ્ય બનાવે છે.
‘અંબા’ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ગીરની ધરતીનો આત્મા, માલધારીઓની અડગ શ્રદ્ધા અને સાવજ સાથેની અતૂટ મૈત્રીની ગર્જના છે — જ્યાં પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ કોઈ કાયદા કે સરહદનો મોહતાજ નથી, પરંતુ આસ્થા અને સાહસનો જીવંત સંવાદ છે. ગુજરાતી સિનેમાને ભવ્યતા, સંવેદના અને નવી દિશા આપતી આ મહાગાથા ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ મોટા પડદા પર ગર્જના કરવા આવી રહી છે, જે દરેક દર્શકના હૃદયમાં એક અમિટ છાપ છોડી જશે.
ટ્રેલર લિંક: http://www.youtube.com/watch?v=E4lb0lsbGPU
