સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=vhMRJidhtdk
ગુજરાત : ગુજરાતી સિનેમામાં પોતાની અનોખી વિઝ્યુઅલ સ્ટાઇલ અને સંસ્કૃતિપ્રિય વાર્તા માટે જાણીતા વિજયગીરી ફિલ્મોસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અંબા’ નું નવું ગીત ‘નેહ નેહ’ રિલીઝ થતાં જ ચારેયકોર ગૂંજી ઊઠ્યું છે. આ ગીતની સૌથી વિશેષ વાત એ છે કે તે સૌરાષ્ટ્ર અને ગીરના પરંપરાગત લોકસંગીત તથા તળપદી લોકસંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે.
‘નેહ નેહ’ ગીતમાં ગુજરાતી લોકસંગીતના મૂળિયાંની સુંદર છાપ જોવા મળે છે. સંગીતકાર જોડી કેદાર-ભાર્ગવ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ બંદિશ અને સંગીત સંયોજન પરંપરાગત લોકવાહનો, લોકઢાળ અને પહાડી લયનો સાચો અનુભવ કરાવે છે. ગીત સાંભળતાં જ શ્રોતાઓ સૌરાષ્ટ્રના પરંપરાગત લોક ઉત્સવો અને ગીરના વનવાસી સંસ્કૃતિના સાનિધ્યમાં પહોંચી જાય છે.
ગુજરાતી લોકસંગીતના શાન સમાન ગાયક આદિત્ય ગઢવી પોતાના આગવા ફોક અંદાજ અને ગીરની માટીની સોડમ ધરાવતા અવાજથી આ ગીતમાં પ્રાણ પૂરે છે. આદિત્ય ગઢવીની ગાયકીમાં રહેલો પરંપરાગત લહેકો અને લોકસાહિત્યિક ડણક ગીતને વધુ ઉત્સાહવર્ધક બનાવે છે. તો બીજી તરફ, ગીતકાર સૌમ્ય જોશીની કલમે લખાયેલા તળપદી અને સંવેદનશીલ શબ્દો લોકસંગીતના મૂળભૂત આત્માને સ્પર્શે છે.
આ પરંપરાગત લોકસંગીતના વાતાવરણ વચ્ચે ગીતમાં દર્શાવાયેલી અંબા અને સિંહ વચ્ચેની અનોખી મિત્રતા અદ્ભુત દ્રશ્ય-શ્રાવ્ય અનુભવ આપે છે. સૌરાષ્ટ્રની લોકપરંપરામાં માલધારીઓ અને વનરાજા વચ્ચે દાયકાઓથી જે ભાવનાત્મક સંબંધ રહ્યો છે, તે જ સંસ્કૃતિ અને અન્યોન્ય પ્રેમની વાતને ગીતમાં ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે. અંબા તરીકે રીવા રાચ્છનું સહજ પાત્રાલેખન અને વનરાજા સાથેની નિકટતા દર્શકોને ભાવવિભોર કરે છે. ગીતના અંતિમ ક્ષણોમાં આવતા જગજીત અને દર્શન પંડ્યાના અદ્ભુત લુક અને અભિનયે ફિલ્મના પ્લોટ પ્રત્યે દર્શકોમાં ભારે કુતૂહલ અને રહસ્ય ઊભું કરી દીધું છે.
દિગ્દર્શક વિજયગીરી બાવાનું કલ્પનાશીલ દિગ્દર્શન આ ગીતને સિનેમેટિક કેનવાસ પર સજાવે છે. નીમ ટ્રી એન્ટરટેઇનમેન્ટ અને ભૂમી નથવાણી પ્રસ્તુત તથા વિજયગીરી ફિલ્મોસ અને ટ્વિન્કલ વિજયગીરી નિર્મિત ફિલ્મ ‘અંબા’નું નિર્માણ કાર્ય હાલ આખરી તબક્કામાં મુંબઈ ખાતે ચાલી રહ્યું છે.
ગુજરાતની લોકસંસ્કૃતિ અને સિનેમેટિક ભવ્યતાનો આ સંગમ આગામી ડિસેમ્બર મહિનામાં દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે.
