પરંપરા, પારિવારિક મૂલ્યો અને અતૂટ શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ એટલે ‘કિંગ ઓફ સાળંગપુર’

આજના ડિજિટલ અને ભાગદોડભર્યા યુગમાં જ્યારે નવી પેઢી પોતાના મૂળ અને સંસ્કૃતિથી થોડી દૂર થઈ રહી છે, ત્યારે ‘કિંગ ઓફ સાળંગપુર’ એક એવી ફિલ્મ બનીને સામે આવી છે જે સમગ્ર પરિવારને એકસાથે જોડે છે. ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સાળંગપુર ધામના ભવ્ય ઇતિહાસને માત્ર એક કથા તરીકે નહીં, પરંતુ આજના સમયના જીવનમૂલ્યોના માર્ગદર્શક તરીકે રજૂ કરે છે. વિક્રમ સંવત ૧૯૦૫માં સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજન દેવની પ્રાણ પ્રતિષ્ઠા અને ભક્ત વાઘા ખાચરની અનન્ય ભક્તિનો ઇતિહાસ પડદા પર એટલી ભવ્યતાથી કંડારાયો છે કે દરેક દર્શક ગર્વ અને શ્રદ્ધાની લાગણી અનુભવે છે.

વાર્તામાં આજના સમયના ચાર યુવાનો ધ્વનિત, આરવ, હર્ષ અને ખુશીની જીવનયાત્રા બતાવવામાં આવી છે, જેઓ આધુનિક જીવનશૈલીના દબાણ, એકલતા અને નિષ્ફળતાથી ઘેરાયેલા છે. જ્યારે આ યુવાનો સાળંગપુર ધામની પવિત્ર ભૂમિ પર પગ મૂકે છે, ત્યારે દાદાની કૃપા અને ધામની સકારાત્મક ઊર્જા તેમના વિચારો અને જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, સાગર પંચાલ, ભાવિન અને મયૂર કુમારે પોતાના પાત્રોને અત્યંત સંવેદનશીલતાથી ન્યાય આપ્યો છે.

દિગ્દર્શક પ્રશાંત દેશાવલ અને લેખક સંજય પ્રજાપતિએ પટકથામાં લાગણી, સંઘર્ષ અને ભક્તિનું ઉત્તમ સંતુલન જાળવ્યું છે. બી પ્રાકના કંઠે ગવાયેલું ગીત ‘જય હનુમાન’ અને ભવ્ય સિનેમેટોગ્રાફી ફિલ્મના આધ્યાત્મિક માહોલને ચરમસીમાએ લઈ જાય છે. માતા-પિતા અને બાળકોએ સાથે બેસીને જોવા જેવી આ એક સંસ્કારસભર અને પ્રેરણાદાયી ગુજરાતી ફિલ્મ છે.

આ ફિલ્મને અમે 3.5 / 5 સ્ટાર્સ આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top