અમદાવાદ: ગુજરાતના ઓર્ગેનિક રિટેલ ક્ષેત્રે ઝડપથી ઉભરી રહેલી અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ ‘આયુદા ઓર્ગેનિક્સ’ (Ayuda Organics) દ્વારા તેના ભાવિ વ્યવસાયિક આયોજન, ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સપ્લાય ચેઈન વિસ્તરણ અંગેની વિગતો રજૂ કરવામાં આવી છે. સંસ્થાના સ્થાપક અનિલ પટેલ અને સહ-સ્થાપક નિરવ સોલંકીએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, આયુદા ઓર્ગેનિક્સ માત્ર એક વેચાણ કેન્દ્ર નથી, પરંતુ વર્ષ ૨૦૧૪થી ગ્રાહકો સુધી કેમિકલ, એડિટિવ્સ કે ભેળસેળ વગરના ૧૦૦% શુદ્ધ, ઓર્ગેનિક અને નેચરલ ઉત્પાદનો પહોંચાડવાનો તેમજ ખેડૂતોને આર્થિક સદ્ધરતા અપાવવાનો એક મજબૂત વ્યવસાયિક મોડલ છે.
આજના આધુનિક સમયમાં રાસાયણિક ખેતીને કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન જે ૧% હતો તે ઘટીને ૦.૩% થઈ ગયો છે અને વધતા જતા કેન્સર જેવા ગંભીર રોગો સામે લાલબત્તી ધરતાં કંપનીએ જણાવ્યું કે, તેઓ ખેડૂતોને સીધા બજાર સાથે જોડીને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોના શ્રેષ્ઠ ભાવ અપાવે છે. કંપનીની ઉત્પાદન શ્રેણીમાં ઓર્ગેનિક કરિયાણું, તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. હાલમાં ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, અંકલેશ્વર અને રાજકોટ મળીને ૧૭થી વધુ રિટેલ ઓર્ગેનિક સ્ટોર્સ સફળતાપૂર્વક કાર્યરત છે.
આ ઉપરાંત, દેશી ગાયના સંવર્ધન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપતા આયુદા ઓર્ગેનિક્સ પાસે પોતાની ગૌશાળા છે, જ્યાં ગીર ગાયોનું જતન કરવામાં આવે છે. આ ગીર ગાયના દૂધમાંથી પારંપરિક વૈદિક વલોણા પદ્ધતિથી શુદ્ધ ઘી તૈયાર કરવામાં આવે છે. સાથે જ, કંપની દરરોજ સવારે ૧,૦૦૦ લિટરથી વધુ શુદ્ધ A2 દૂધ કાચની બોટલમાં ૭૦૦થી વધુ પરિવાર સુધી સુરક્ષિત રીતે હોમ ડિલિવરી દ્વારા પહોંચાડે છે.
વ્યવસાયિક વિસ્તરણ અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, પોતાની અધિકૃત વેબસાઈટ ઉપરાંત એમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) જેવા પ્લેટફોર્મ્સ દ્વારા આયુદા ઓર્ગેનિક્સના ઉત્પાદનો સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ૩૦,૦૦૦ થી વધુ સક્રિય ગ્રાહકોના વિશ્વાસ સાથે કંપની આગામી સમયમાં નવા સ્ટોર્સ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી પોતાની સપ્લાય ચેઈનને વધુ વ્યાપક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જેથી વધુમાં વધુ પરિવારો સુધી ઝેરમુક્ત, શુદ્ધ અને સાત્વિક આહાર પહોંચાડી શકાય.
