Song Link :- https://www.youtube.com/watch?v=_-pmr1mPRbk
આગામી ડિસેમ્બર ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘અંબા’ ગીરના પંથકમાં માનવ અને સાવજ વચ્ચેના અનોખા અને ભાવનાત્મક સંબંધો, સહજીવન, ત્રાડ અને ઝાંઝરીની દોસ્તી પર આધારિત એક અત્યંત અનોખી વાર્તા રજૂ કરે છે.
ગુજરાતના ગૌરવ સમાન સાવજ અને તેમની સાથેના સહજીવનની આ અદ્ભુત ગાથા ગુજરાતની સંસ્કૃતિને નવી જ ઊંચાઈઓ પર લઈ જાય છે. ફિલ્મમેકર વિજયગીરી બાવા અને રામ મોરી દ્વારા લિખિત આ ફિલ્મમાં રીવા રાચ્છ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, સાથે દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઈરાની, સ્વાતિ દવે અને રિદ્ધિ ડાંગર જેવા અનુભવી કલાકારો મહત્વપૂર્ણ પાત્રો ભજવી રહ્યા છે.

આ ગીતના વિઝ્યુઅલ્સમાં દિગ્ગજ કલાકારો ફિરોઝ ઈરાની અને સ્વાતિ દવે પણ જોવા મળે છે, જેઓ ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું જણાય છે. આ ઉપરાંત, ગરબાના દ્રશ્યોમાં પાઘડી પહેરેલો સિંહ પણ ખાસ જોવા મળે છે, જે ગીત અને દ્રશ્યોમાં એક મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ભૂમિ નાથવાણી દ્વારા નિર્મિત આ ફિલ્મનું પ્રથમ મ્યુઝિકલ ગીત ‘અંબા રમવા આવે’ સંગીતકાર જોડી કેદાર અને ભાર્ગવ દ્વારા ભક્તિ અને ઉત્સાહના અનોખા મિશ્રણ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતની કોરિયોગ્રાફી સમીર અને અર્શ તન્ના દ્વારા કરવામાં આવી છે, જેમણે અગાઉ સંજય લીલા ભંસાલીની ફિલ્મોમાં પણ યાદગાર કોરિયોગ્રાફી કરી છે.

આ ગીત મિલિન્દ ગઢવી દ્વારા લખવામાં આવ્યું છે અને તે વ્રત્તિની પુરોહિત દ્વારા અદભુત રીતે ગાવામાં આવ્યું છે.આ વિશેષ ગરબા ગીતમાં રીવા રાચ્છ ગુજરાતી સિનેમાની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓ મોનલ ગજ્જર, નેત્રી ત્રિવેદી અને શ્રદ્ધા ડાંગર પણ ખાસ જોવા મળે છે, જેમની હાજરી ગીતની ભવ્યતા અને ઉત્સાહમાં મોટો વધારો કરે છે. આ ગીત આ વર્ષે ગરબા અને તહેવારોની મોસમમાં ખેલૈયાઓ અને શ્રોતાઓ વચ્ચે મુખ્ય આકર્ષણ બનશે.
નિર્માતા અને દિગ્દર્શકના જણાવ્યા અનુસાર, આ ગીત માત્ર એક ઉત્સવનો ગરબો નથી પણ મા અંબા પ્રત્યેની શ્રદ્ધા અને ગીર તથા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે. આ ગીત હવે નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને વિજયગીરી ફિલ્મ ઓએસની યુટ્યુબ ચેનલ સહિત તમામ જાણીતા મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર શ્રોતાઓ માટે ઉપલબ્ધ છે.
