રાજકોટ: ગુજરાતી સિનેમામાં સસ્પેન્સ અને રહસ્યનો નવો અધ્યાય લખવા જઈ રહેલી ફિલ્મ ‘પાતકી’ આગામી ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મના મુખ્ય કલાકારો ગૌરવ પાસવાલા અને શ્રદ્ધા ડાંગરે આજે ‘રંગીલા રાજકોટ’ની મુલાકાત લીધી હતી. રાજકોટની મહેમાનગતિથી અભિભૂત થયેલા કલાકારોએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી ફિલ્મ વિશેની રસપ્રદ વિગતો શેર કરી હતી.
અભિનય દેશમુખ દ્વારા લેખિત અને નિર્દેશિત અને ‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાંશ ક્રિએટીવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોશિએશન સાથે નિર્માણ થયેલ છે.
ફિલ્મની વાર્તા માનવ (ગૌરવ પાસવાલા) અને તેની પત્ની નિત્યા (શ્રદ્ધા ડાંગર) ના સુખી જીવનની આસપાસ ફરે છે, જે અચાનક એક ઘટનાથી વિખેરાઈ જાય છે. જ્યારે દરેક પુરાવાઓ માનવના નિવેદનને પડકારે છે, ત્યારે પેદા થતું સસ્પેન્સ પ્રેક્ષકોને વિચારતા કરી દેશે. ફિલ્મમાં સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી અને આકાશ ઝાલા જેવા જાણીતા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની છે.
નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું કે, “રાજકોટ હંમેશા કલા અને કલાકારોને દિલથી આવકારે છે. ‘પાતકી’માં મારો રોલ ‘નિત્યા’નો છે, જે એક મજબૂત મહિલા પાત્ર છે. આ ફિલ્મની વાર્તા એટલી ગહન છે કે પ્રેક્ષકો અંત સુધી જકડી રાખશે. રાજકોટના લોકોનો ઉત્સાહ જોઈને લાગે છે કે ફિલ્મને અદભૂત પ્રતિસાદ મળશે.”
અભિનેતા ગૌરવ પાસવાલાએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, “રાજકોટનું ફૂડ અને અહીંના લોકોનો પ્રેમ અજોડ છે. ‘પાતકી’માં હું માનવ નામના કોર્પોરેટ પ્રોફેશનલનું પાત્ર ભજવી રહ્યો છું, જે સત્ય અને અપરાધભાવની વચ્ચે ફસાયેલો છે. આ એક એવી ફિલ્મ છે જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સ થ્રિલરના સ્તરને એક નવી ઊંચાઈ પર લઈ જશે.”
પેનોરમા સ્ટુડિયો દ્વારા વિતરિત આ ફિલ્મ 30 જાન્યુઆરી, 2026 ના રોજ ગુજરાત અને મુંબઈ ઉપરાંત દુબઈ, યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ રિલીઝ થશે. રાજકોટના સિનેમાઘરોમાં પણ આ રહસ્યમય સફર જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ફિલ્મનું ટ્રેલર : https://youtu.be/A0gpM3uqtbs
