સાઇકલિંગ થીમ પર આધારીત પહેલી ગુજરાતી ફિલ્મ “ગેટ સેટ ગો”

  • સાયકલિંગ સ્ટન્ટ્સ સાથે આ મૂર્હત પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા
  • ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રથમવાર કોઈ ફિલ્મનું આટલું ભવ્ય પ્રકારે મુર્હૂત થયું છે

અમદાવાદ: ગુજરાતી સિનેમાને સાહસ અને નવતર વિષયવસ્તુ આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’થી એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ‘તીખી મીઠી લાઈફ’, ‘પૂરી પાણી’ અને ‘ભગવાન બચાવે’ જેવી લોકપ્રિય સિરીઝના નિર્માતા વાલ્મિકી પિક્ચર્સ હવે જલિયાન ગ્રુપ સાથે મળીને સાઇકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. હાલમાં જ આ ફિલ્મનું ભવ્ય રીતે શુભમૂર્હત થયું હતું.

ફિલ્મની સ્ટારકાસ્ટ પણ એટલી જ મજબૂત છે – દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ભવ્ય ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ અને પ્રેમલ યાજ્ઞિક જેવા લોકપ્રિય અને પ્રતિભાશાળી કલાકારો ફિલ્મમાં નજરે પડશે.

આ ઉપરાંત, ફિલ્મના મૂર્હત પ્રસંગે તમામ મુખ્ય કલાકારોની ઉત્સાહભરી હાજરી રહી હતી. દરેકે પૂજા વિધિમાં ભાગ લીધો અને ફિલ્મની મુખ્ય થીમ મુજબ સાઇકલિંગ સ્ટન્ટ્સનું પણ ચમકદાર રજૂઆત કરવામાં આવી – જેને જોઈ સૌ કોઈ અભિભૂત થઈ ગયા. આવા પ્રકારના લાઈવ એક્શન સાથે ભવ્ય મુહૂર્ત કદાચ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મ માટે આયોજિત થયો હોય એવું જણાઈ રહ્યું છે.

ફિલ્મની વાર્તા એવા યુવાન ગ્રુપની આસપાસ ગોઠવાયેલી છે જે અમીર પાસેથી પૈસા ચોરીને ગરીબોને આપે છે. ખાસ વાત એ છે કે તેમની ચોરી કરવાની પદ્ધતિ સંપૂર્ણ રીતે અલગ છે – જેમાં ‘સાઈકલ’ મહત્વની ભૂમિકા ભજવે છે.

ફિલ્મ માત્ર સાઇકલિંગ અથવા રેસની વાત કરતી નથી, પણ એ એક ઊર્જાસભર યાત્રા છે – જે આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટેની લડતનું પ્રતિક છે.

‘ગેટ સેટ ગો’ એક્શન, ઇમોશન અને એડવેન્ચરથી ભરપૂર મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કઈંક તાજું અને જુદું લાવવાની શક્તિ ધરાવે છે.

હવે દર્શકોને આતુરતા છે તો માત્ર ફિલ્મની રિલીઝ ડેટની – કારણ કે ‘ગેટ સેટ ગો’ માત્ર ફિલ્મ નહીં, એક એડ્રેનાલીન ભરેલી રાઈડ છે – જે દિલ સુધી પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top