
અમદાવાદ: ગુજરાતી સિનેમાના જગતમાં ટૂંક સમયમાં આવી રહી છે એક એવી ફિલ્મ, જે માત્ર વાર્તા નહીં પરંતુ એક અહેસાસ બની રહેશે – ‘જીવ’. વિવાન ફિલ્મ્સ એલએલપીના બેનર હેઠળ બનેલ અને સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ માનવ અને મૂંગા પશુઓ વચ્ચેના કરુણાભર્યા સંબંધને અદભૂત રીતે રજૂ કરે છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર ધર્મેન્દ્ર ગોહિલ જોવા મળશે, સાથે જ સની પંચોલી અને શ્રદ્ધા ડાંગર જેવાં અવ્વલ કક્ષાના કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. નીરવ મેહતા અને વિક્કી મેહતા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મના ડિરેક્ટર જીગર કાપડી છે. ટૂંક સમયમાં રિલીઝ થઈ રહેલ આ ફિલ્મનું તાજેતરમાં જ પોસ્ટર લોન્ચ કરાયું છે.
ફિલ્મનું કેન્દ્રિય પાત્ર છે વેલજીભાઈ મહેતા, જેનું પાત્ર પ્રતિભાશાળી અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલએ ભજવ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં દેખાતો તેમનો ચહેરો માત્ર એક પાત્રનું પ્રતિનિધિત્વ નથી કરતો, પરંતુ ધરતી પર રહેલા દરેક જીવો પ્રત્યેના દયાભાવનો પ્રતિબિંબ છે. વેલજીભાઈએ પોતાના સમગ્ર જીવનને પશુધનની સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમના માટે ગાયો, બકરાં કે અન્ય પ્રાણી માત્ર જીવો નહોતા, પરંતુ પરિવારના સભ્યો હતા.
ફિલ્મ ‘જીવ’ એવા તમામ અર્પણમૂર્તિ વ્યક્તિઓને અર્પણ છે, જેમણે જીવદયા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. આ ફિલ્મ સમાજને એક મહત્ત્વપૂર્ણ સવાલ પૂછે છે, શું આપણે પશુઓના મૌન રુદનને સાંભળી શકીએ છીએ? આજના સ્વાર્થપ્રધાન સમયમાં, ‘જીવ’ આપણી સામે દયાનો ધર્મ ઉજાગર કરે છે અને યાદ અપાવે છે કે સાચી સમૃદ્ધિ સ્નેહ અને સહાનુભૂતિમાં છે.
દરેક ગુજરાતી માટે ગર્વ લેવા જેવી આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ એક સામાજિક સંદેશ છે. આ ફિલ્મ આપણને પશુ-પક્ષીઓ પ્રત્યે આપણી ફરજનું ભાન કરાવશે અને જીવનના સાચા મૂલ્યો તરફ પાછા વળવા પ્રેરણા આપશે. ‘જીવ’ ફિલ્મ એ સાબિતી છે કે સાચી વીરતા તલવારથી નહીં, પણ સ્નેહ અને સહાનુભૂતિથી પ્રગટે છે.
આ અદભૂત અને પ્રેરણાદાયી ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે ‘જીવ’ એક આવશ્યક અનુભવ બની રહેશે, જે હૃદયને સ્પર્શે અને માનવતાના મૂલ્યોને જીવંત કરે.